0

અપરાધ વગરનો અપરાધભાવ

      રાત્રીના બરાબર ૧૨ વાગીને ૩૩ મિનીટનો સમય થયો છે અને ઘરના ઓરડાની બારી માંથી પાછળની ગલીમાં ફરતા ઉંદરોનો અવાજ સંભળાઈ રહ્યો છે. એમના શોરબકોરથી લાગે છે કે આજે કોઈ પાર્ટીનું આયોજન છે અને બે ચાર ઉંદરોનો પરિવાર ભેગો થયો છે. કદાચ પાછળ રહેવા વાળા માસીનું જમવાનું વધ્યું હશે એટલે આજે એમની કચરાપેટી આ ઉંદરોની પાર્ટીનું આયોજન સ્થળ બન્યું. રાત્રીની આ નીરવ શાંતિમાં એમના ચૂં..ચૂં.. ના અવાજમાં ઊંઘ આવે એવું લાગતું નથી અને હું વિચાર શૂન્ય થઇને બેઠો જ થયો છું પણ કોણ જાણે કેમ મને ૧૨ વર્ષ જુનો હાઇસ્કુલનો પેલ્લો દિવસ યાદ આવે છે.

વિજ્ઞાન પ્રવાહમાં રસ હોવાથી અને અમારી શાળામાં ફક્ત સામાન્ય પ્રવાહનું શિક્ષણ હોવાના કારણે ગામની બીજી શાળામાં ધોરણ ૧૧  વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ લીધો. બાળપણથી જ સપનું હતું કે ડોક્ટર બનવું છે એટલે નઈ કે મને ડોક્ટર બનવાનું ગમે છે પણ એટલે કે મારી મમ્મીનું સપનું હતું કે એનો દિકરો ડોક્ટર બને. પણ મને વિશ્વાસ હતો કે હું મારી મમ્મીનું આ સપનું પૂરું નઈ કરી શકું, માટે મેં જીવ વિજ્ઞાન અને ગણિત એમ બંને માંથી એક વિષય પસંદ કરવાને બદલે મેં બંને વિષય પસંદ કર્યા. એટલા માટે નઈ કે હું ઘણો હોશિયાર હતો પણ એટલા માટે કે કદાચ ડોક્ટર ના બનીએ તો બીજો રસ્તો ખુલ્લો રહે.

ગણિતના વર્ગમાં ૬૦ વિધાર્થીઓમાં ફક્ત ૫ વિદ્યાર્થીની અને એનાથી વિપરીત જીવ વિજ્ઞાનના વર્ગમાં ૫૦ વિધાર્થીની અને ફક્ત ૩ વિધાર્થી. એક મિત્રની ગેરહાજરીમાં તો જાણે એવું લાગે કે ટ્રેનમાં મહિલા આરક્ષિત ડબ્બામાં બેસી ગયા હોય અને પાછો ડબ્બો આખો ભરચક હોય. હુ એકનો એક દીકરો અને ઘરમાં પપ્પાની ગેરહાજરીમાં વિધવા માં નો એકલો સહારો હોવાથી મને પહેલેથી જ ઘરની બહાર જવાની છૂટ નહીવત જેટલી એટલે મૂળ શરમાળ પ્રકૃતિ ધરાવનાર એટલે એ દિવસ સુધી મારે એક બે યુવતીઓ સાથે વાત કરવાની બે લીટી જેટલી જ થઇ હશે. અને હમણાં તો આટલી બધી યુવતીઓ અને પાછું જીવ વિજ્ઞાનમાં શરીર વિજ્ઞાનનું પ્રકરણ આવે એટલે મારા તો હૃદયના ધબકારા વધી જાય અને પેટમાં ગડબડ થવા માંડે, પરસેવે રેબઝેબ થઇ જવાય. આવું લગભગ મારી સાથે ચાર પાંચ વાર બન્યું હશે. ઓછામાં વધારાનું પાછું ભણાવનાર પણ મહિલા શિક્ષિકા.. એક દિવસ તો નક્કી કરીને સ્ટાફ રૂમમાં ગયો અને જીવ વિજ્ઞાનને કાયમ માટે છોડી દેવાની અરજી કરી દીધી. (એક રીતે તો ત્યાં ભીખ જ માંગી તી.)

જેમ તેમ કરીને એક વર્ષ પૂરું થયું અને પરિણામ આવ્યુ રિપોર્ટકાર્ડ જોઇને લાગ્યું કે જીવ વિજ્ઞાન વિષય છોડીને સારું કર્યું. હવે ૧૨ માં ધોરણમાં હતા, બોર્ડ હતું એટલે બધી બાજુ થી ટકોર થતી કે આ વખતે બોર્ડમાં છો તો વાંચવામાં જ  ધ્યાન રાખો. અને મજાની વાત તો એ કે જે લોકો ૧૦ પાસ નથી કર્યું એવા સલાહ આપવા પેલ્લા આવી જાય અને એમના બીજા સગા સબંધીઓના ઉદાહરણ આપશે કે મારા ભાઈની સાળાની છોકરીના આટલા આવ્યા હતા ને મારી બેનના નણંદના છોકરાના તેટલા આવ્યા હતા. જોકે આમાં એમનો કે એમના જેવા લોકોનો વાંક નથી પારકી પંચાત તો આપણા ગુજરાતીઓના લોહીમાં પહેલેથી જ હશે.

ધોરણ ૧૨ બોર્ડમાં હતા એટલે આખી શાળામાં પોતાને સૌથી ઉચ્ચ કોટીના સમજતા, થોડી સમજદારી અને થોડી પરિપક્વતા પણ આવી ગઈ હોય, અને ધોરણ ૧૧ માં નવી બેચ પણ આવી ગઈ હોય. 🙂

શિયાળાની ગુલાબી ઠંડીની સરસ શરૂઆત હતી અને એ દિવસ ખરેખર મજાનો હતો. મારી નજર પહેલી વાર કોઈની નજર સાથે મળી ગઈ……………

to be continue..